કચ્છ ને કેમિકલ ફ્રી ઝોન બનાવવા આ પિટિશન સાઇન કરજો

કચ્છ ને કેમિકલ ફ્રી ઝોન બનાવવા આ પિટિશન સાઇન કરજો

5 have signed. Let’s get to 10!
Started
Petition to
Kutch District Administration and

Why this petition matters

તારીખ – ૮.૧.૨૦૨૨.

પ્રતિ,
માનનીય મુખ્યમંત્રી,
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
ગુજરાત.

વિષય: કચ્છમાં કેમિકલ ઝોન જાહેર કરવા અંગે
પરિચય:
જૈન યુથ ફોરમ (JYF) એ બિન-નફાકારક મંચ છે જે કચ્છી યુવાનો માટે સેમિનાર, વર્કશોપ અને મુલાકાતો આયોજિત કરીને તેમને કચ્છમાં સ્થાયી થવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. જૈન ધર્મ અને બિઝનેસ મેનેજમેન્ટના ખ્યાલો એકબીજા સાથે જોડાયેલા છે – આ સંકલ્પના સમજવામાં JYF કચ્છી યુવાનોને સહાય કરે છે. હજારો લોકોને કચ્છના દર્શન કરાવવા અને તેમના વતનમાં પાછા સ્થાયી થવા માટે કચ્છ લઈ જવામાં JYF સફળ રહ્યું છે.

પ્રસ્તાવના:
ગુજરાત સરકાર મુન્દ્રાની આસપાસના ૧૭ ગામોને કેમિકલ ઝોન જાહેર કરવાની યોજના બનાવી રહી હોવાના સમાચાર અમને મળ્યા છે. આ પગલાંને કારણે સર્જાનારી બહુવિધ આફતો અંગે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરવા અમે યુવાનો સમગ્ર કચ્છ વતી આ પત્ર લખી રહ્યા છીએ. અમે આ પત્રમાં કેટલાક મહત્વના મુદ્દાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

સંસ્કૃતિ અને ધર્મ પર અસર:
કચ્છની ભૂમિ ઘણા પ્રાચીન અને મોટા જૈન મંદિરોની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. કચ્છમાં ઘણા ધાર્મિક સ્થળો પણ છે. આ ભૂમિ પર જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો માટે અનુકૂળ એવું વાતાવરણ ઉપલબ્ધ છે. આને કારણે ઘણા જૈન સાધુઓ કે જેઓ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહેવાનું પસંદ કરે છે, તેઓ કચ્છના આવા ધાર્મિક અને પ્રદૂષિત મુક્ત પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ પુણ્યશાળી સંતો તેમનો વિહાર કચ્છના એવા અમુક વિસ્તારોની સ્થાનિક મર્યાદામાં સીમિત કરી રહ્યા છે જ્યાં કેમિકલ ઝોન જાહેર થવાની સંભાવના છે. કેમિકલ કારખાનાંઓને કારણે આ નિર્દોષ અને પવિત્ર સંતોને આ વિસ્તારથી દૂર જવાની ફરજ પડશે, જે તેમના ધાર્મિક શપથ અને તેમના વ્યક્તિગત જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. સ્વામિનારાયણ, ગોસ્વામીઓ અને સુન્ની મુસ્લિમો જેવા વિવિધ સંપ્રદાયોના અન્ય ઘણા સંતો આ પ્રદેશમાં ફેલાયેલા છે, જેમને માટે સ્થળાંતર કરવું અનિવાર્ય બની જશે.

ખેતી પર અસર:
મુન્દ્રાની આસપાસના ૧૭ ગામો ખૂબ જ ફળદ્રુપ જમીન ધરાવે છે અને ઘણા દાયકાઓથી હરિયાળી જમીન તરીકે જાણીતી છે. વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૭ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ અને અન્ય કાયદાઓને અટકાવવા તેમ જ જાહેર સુનાવણીની પ્રક્રિયાને માત્ર મજાક બનાવવા માટે ઘણી ગેરરીતિઓ કરવામાં આવી હતી. ઘણા હોબાળા અને સરકારના અસરકારક હસ્તક્ષેપ પછી મુશ્કેલી ઊભી કરનાર ઉદ્યોગોને નવા લાઇસન્સ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. જો કે, પુષ્કળ પાણીનો વપરાશ કરતા વિવિધ ઉદ્યોગોને બિનઆયોજિત મંજૂરીને કારણે, આ કૃષિ સમૃદ્ધ વિસ્તારના પાણીના સ્તરને અસર થઈ હતી.
જો કે, આપશ્રીના તેમ જ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસોને કારણે હવે, નર્મદા નદીનું પાણી કચ્છની જમીનના આ ભાગમાં પહોંચ્યું છે, જેનાથી કૃષિ અને ડેરી ઉદ્યોગના વિકાસની આશાઓ ફરી જાગી છે. પરંતુ બીજી તરફ એ જ વિસ્તારમાં કેમિકલ ઝોનની મંજૂરી મળતાં નર્મદાનું પાણી લાવવાના તમામ પ્રયાસો ખેડૂતો માટે નકામા બની જશે. નર્મદાના પાણીનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગો દ્વારા કરવામાં આવશે, જે ગામડાઓ માટે એક મોટું અને કાયમી નુકસાન હશે. મહાત્મા ગાંધીજી માનતા હતા કે ભારતનો પ્રાણ ગામડાઓમાં જ રહે છે.
કેમિકલ કારખાનાંઓ સ્થાપવા માટે રસ ધરાવતી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ પહેલેથી જ તેમનો રોષ દર્શાવ્યો છે. તે ઉપરાંત ખેડૂતોએ પ્રદૂષણ મુક્ત આજીવિકાનો સ્ત્રોત ગુમાવવો પડશે, કારણ કે તેમની જમીન જ તેમનો એકમાત્ર સ્ત્રોત છે. આ વિસ્તારમાં પર્યાવરણીય પ્રદૂષણ માટે કેમિકલના કારખાનાંઓ એક બળવાન પરિબળ પૂરવાર થશે.

ડેરી ઉદ્યોગ પર અસર:
છેલ્લા ૪ વર્ષમાં ઘણા લોકોના પ્રયત્નોને કારણે આ વિસ્તારમાં ડેરી ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. કચ્છના ગામડાઓમાં ગાય, ભેંસ, બકરી અને ઊંટડી જેવા પશુઓની સંખ્યા વધી રહી છે અને આ પ્રગતિ સ્થાનિક લોકોના લાંબા ભવિષ્ય માટે સારી છે. કચ્છના મિલ્ક ઝોનમાં કેમિકલ ઝોનની પરવાનગી આપવાના નિર્દયી પગલાંને કારણે કચ્છનો વિકાસ અટકી જશે.

પર્યાવરણ પર અસર:
કચ્છની આબોહવા વિવિધ પરિસ્થિતિઓનો સમાવેશ કરે છે. શિયાળાની સવારે મૃદુ તડકો અને રાત્રે સ્વચ્છ આકાશ જોવા મળે છે. ઉનાળામાં બળબળતો તાપ પડે છે તો વળી ચોમાસામાં ઘણીવાર વાદળો સૂર્યને અવરોધે છે. કચ્છના રણપ્રદેશની આબોહવા સૂકી હોવા છતાં તે કેસર કેરી અને ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ જેવા દુર્લભ ફળો માટે ખૂબ અનુકૂળ છે. વર્તમાન સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવાની જાહેરાત કરી છે. અહીંની જમીન અને આબોહવા કમલમ ફળને અનુકૂળ આવે છે અને તેના કારણે કચ્છના આ વિસ્તારમાં ઉગાડવામાં આવતા ફળનો એક અનોખો સ્વાદ છે, જે વિશ્વમાં અન્યત્ર ઉત્પાદિત કમલમ ફળોમાં જોવા મળતો નથી. આ કેમિકલ ઝોનની ફેક્ટરીઓ ઝેરી ધુમાડો બહાર કાઢશે જે આ ઔષધીય ફળને પાયમાલ કરી નાખશે. જો આ પ્રદેશને કેમિકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે તો માત્ર કચ્છમાં જ ઉત્પાદિત થતા અનોખા કમલમ ફળ જ નહીં પરંતુ ખારેક, દાડમ, કેરી જેવા અન્ય ઘણાં ફળો અને શાકભાજી પણ સંપૂર્ણપણે નાશ પામશે.
રશિયા અને અરેબિયામાંથી હજારો ફ્લેમિંગો કચ્છના કંઠી વિસ્તારમાં આવે છે. કેમિકલ કંપનીઓ દ્વારા આ મહેમાનોનું ઝેરી સ્વાગત કરવામાં આવશે. સ્થાનિક પક્ષીઓ, નીલગાય, ગાય અને અન્ય ઘણા લોકોની દુર્દશા માત્ર અકલ્પનીય છે.

રોજગાર પર અસર:
એકવીસમી સદીની શરૂઆતમાં, જ્યારે પ્રદૂષણ ફેલાવતા અને વધુ પાણીનો વપરાશ કરતા ઉદ્યોગોને આ પ્રદેશમાં સ્થાપવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે એક સામાન્ય દલીલ એવી હતી કે તેનાથી રોજગાર ઉત્પન્ન થશે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે. સેંકડો એકર ફળદ્રુપ જમીન જે હજારો ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકોનું ભરણપોષણ કરતી હતી, તે થોડા મોટા ઉદ્યોગો દ્વારા હસ્તગત કરવામાં આવ્યા બાદ જેની ધારણા હતી તેનો એક અંશ જેટલો રોજગાર પણ આપી શકી ન હતી. વાસ્તવમાં, આવા ઉદ્યોગોને લીધે, ઘણા લોકોને તેમનું વતન ખાલી કરવાની અથવા દારૂનું ઉત્પાદન અને વેચાણ, વેશ્યાવૃત્તિ, ચોરી વગેરે જેવા ગેરકાયદેસર વ્યવસાયોનો આશરો લેવાની ફરજ પડી હતી.

આરોગ્ય પર અસર:
કોઈપણ ઉદ્યોગમાં વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત બોઈલર, થર્મો પેક અને ડીઝલ જનરેટર છે જે લગભગ તમામ પ્રકારના પ્રદૂષકો ઉત્પન્ન કરે છે. હવાના ઉત્સર્જનમાં ધૂળ, એસિડ, વરાળ, તેલની ઝાકળ અને ગંધનો પણ સમાવેશ થાય છે. ફાઇન કેમિકલ્સ ઉદ્યોગ પર્યાવરણમાં ઝેરી ધાતુઓ અને હાનિકારક પ્રદૂષકોનો વિશાળ જથ્થો ઠાલવે છે. આ ઉદ્યોગ દ્વારા પર્યાવરણમાં આયર્ન અને તાંબાનો વધુ જથ્થો મોકલવામાં આવે છે. એગ્રોકેમિકલ ઉદ્યોગ સીસું, નિકલ, તાંબુ અને જસત જેવી ઝેરી ધાતુઓ અને સલ્ફર ડાયોક્સાઇડ (SO2) અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ (NO2) ના ઉત્પાદન માટે પણ જવાબદાર છે.
આ ઉદ્યોગો દ્વારા થતું ઉત્સર્જન હવાની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે એવું નોંધાયું છે અને સાબિત થયું છે. ઉત્સર્જનનું સ્તર મહત્તમ સહનશીલ મર્યાદાના ધોરણો કરતાં ઘણું ઊંચું છે. વાતાવરણમાં આ ઉચ્ચ સ્તરની ઝેરી અસર મનુષ્યના સ્વાસ્થ્યને નીચે મુજબ ઘણી અસર કરે છે :
૧. કોપર એનિમિયા લીવર અને કીડનીને નુકસાન કરે છે અને બીજા ઘણા રોગોનું કારણ બને છે.
૨. નિકલ હાર્ટ ડિસઓર્ડર અને ફેફસાના એમ્બોલિઝમ (embolism)નું કારણ બને છે.
૩. માનસિક માંદગીથી લઈને ન્યુરલ બહેરાશ અને મૃત્યુ સુધીના લગભગ તમામ રોગો માટે લીડ જવાબદાર છે.
૪. આયર્ન અને ઝિંક પણ અનુક્રમે કેન્સર અને નર્વસ મેમ્બ્રેન (membrane)ને નુકસાન પહોંચાડે છે.
૫. SO2 અને NO2 નાક અને ગળામાં બળતરા, શ્વાસ સંબંધી બીમારી, આંખોમાં બળતરા વગેરે માટે જવાબદાર છે.
૬. PM2.5 અને PM10 માનવમાં દીર્ઘકાલીન પલ્મોનરી (pulmonary) રોગો અને કાર્ડિયોવેસ્ક્યુલર (cardiovascular) બીમારી માટે જવાબદાર છે.
ભારતમાં આવા કેમિકલ ઝોનની નજીકના ગામડાઓ અને નગરોમાં ઉપરોક્ત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા કેમિકલ ઝોન માટેની મંજૂરીને કારણે કચ્છના આ ભાગમાં આવી જ સ્થિતિ ઊભી થશે.
કચ્છના તમામ મોટા ગામો મુન્દ્રાની આસપાસના વિસ્તારમાં હજારો વૃક્ષો વાવીને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પોતાનો ફાળો આપી રહ્યા છે. જમીન, પાણી અને સામાન્ય વાતાવરણની ગુણવત્તા સુધારવા માટે વૃક્ષોના રોપા વાવવામાં આવે છે. ભગવાન મહાવીર અહિંસાધામ દ્વારા પ્રાણીઓ માટે આ પ્રદેશમાં સૌથી મોટો ગ્રીન બેલ્ટ પણ વિકસાવવામાં આવ્યો છે. પાલતુ પ્રાણીઓ માટે ઘણી પાંજરાપોળ છે. આ કેમિકલ ઝોનની આસપાસ વસતા પ્રાણીઓની શી દશા થશે તે બાબતે વિચાર કરવો આવશ્યક છે.

ભલામણો:
અમે સરકારના સારા ઇરાદાના સમર્થક છીએ. અમારું સૂચન એ છે કે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ એવા વિસ્તારોમાં રાસાયણિક ઉદ્યોગોને મંજૂરી ન આપવી. વાસ્તવમાં, આ વિસ્તારો ખેતી, ડેરી અને ગૃહઉદ્યોગોના સંદર્ભમાં પહેલેથી જ વિકસિત છે અને ઘણી સારી પ્રગતિ કરી રહ્યા છે. કચ્છમાં કેટલાક ભાગો એવા છે જે બિન-ફળદ્રુપ, ઓછા ગીચ અને રણ જેવા છે. કચ્છના આ વિસ્તારમાં સારી વસ્તી છે પરંતુ અહીંના લોકો બેરોજગાર છે. આ વિસ્તારની જમીનો તુલનાત્મક રીતે સસ્તી છે, જે કેમિકલ કારખાનાંઓને આકર્ષિત કરશે. આથી અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને ભલામણ કરીએ છીએ કે તેઓ આ ઝોનને કેમિકલ ઝોન તરીકે જાહેર કરવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરે અને તેને બદલે તેને અન્ય ભાગમાં ખસેડે. જો તક આપવામાં આવશે તો કેમિકલ ઝોન માટે કચ્છમાં યોગ્ય વિસ્તારોની તપાસ કરવા સરકાર સાથે કામ કરવા સંસ્થા તૈયાર છે.
સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે સરકારને તેના આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની નમ્ર અપીલ કરીએ છીએ. અમે આ લોકપ્રિય અને જનકેન્દ્રિત સરકારને વિનંતી કરીએ છીએ કે તે લોકો કેન્દ્રિત અને લોકપ્રિય નિર્ણય લે.
જો જરૂર જણાય તો અમે આપને રૂબરૂ/વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર મળવા માટે તૈયાર છીએ.
આપનો આભાર,

આપનો વિશ્વાસુ,

હાર્દિક મામણીયા.
(જૈન યુથ ફોરમના સ્થાપક)

5 have signed. Let’s get to 10!